Bhavnagar Man Murdered: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં ગુરુવારે સાંજે બનેલી એક દિલ દહોળી નાખે તેવી ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિવારના ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જમાઈએ પોતાના સાગરીતો સાથે મળી સસરા પર જીવલેણ હુમલો કર્યો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું.
મૃતકની ઓળખ 60 વર્ષીય ગોરધનભાઈ તળશીભાઈ દલસાણિયા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે.
કામકાજને લઈને ઘરમા ચાલતો હતો તણાવ
પરિવારજનો અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગોરધનભાઈ તેમની દીકરી સાથે ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની દીકરીના લગ્ન ફુલસર વિસ્તારમાં રહેતા રાકેશ સાથે થયા હતા. રાકેશ હીરાના કામ સાથે જોડાયેલો હતો, પરંતુ તે નિયમિત રીતે કામે જતો નહોતો.
ઘરે બેસી રહેવાની અને કમાણીમાં અનિયમિતતા હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે બંને પરિવારો વચ્ચે પણ મનદુઃખ ચાલતું હતું.
પરિવારના લોકોના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે પણ સાંજના સમયે રાકેશ અને તેની પત્ની વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે રાકેશ પત્નીને મારવા દોડ્યો હતો. એ સમયે ગોરધનભાઈ વચ્ચે પડ્યા અને દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન ગોરધનભાઈએ જમાઈને ઠપકો આપતાં મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. કહેવાય છે કે રાકેશે ગુસ્સામાં આવી સસરાને લાફો મારી ત્યાંથી નીકળી ગયો હતો.
રાત્રે ટોળકી સાથે આવી કર્યો હુમલો
સાંજનો ઝઘડો અહીં અટક્યો નહીં. પરિવારજનોના જણાવ્યા મુજબ, રાત્રે રાકેશ ફરીથી કેટલાક લોકો અને મહિલાઓ સાથે ગોરધનભાઈના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં ફરી ઝઘડો શરૂ થયો અને ત્યારબાદ હુમલાખોરોએ ગોરધનભાઈને પકડી રાખ્યા હતા.
આ દરમિયાન પારુબેન નામની મહિલાએ સિમેન્ટનો ભારે પેવર બ્લોક લઈને ગોરધનભાઈના માથામાં જોરદાર ઘા માર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ગોરધનભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા.
પરિવારજનોએ તરત જ તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ એક્શનમાં, આરોપીઓની શોધખોળ શરૂ
Bhavnagar Man Murdered કેસ સામે આવતા જ સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલ અને બોરતળાવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના કહેવા પ્રમાણે, લાંબા સમયથી ચાલતા પારિવારિક મનદુઃખ અને ઘરેલુ ઝઘડાના કારણે આ હત્યાકાંડ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ મુખ્ય આરોપી રાકેશ, પારુબેન અને તેમની સાથે આવેલા અન્ય લોકો ફરાર છે.
આરોપીઓને ઝડપવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે.
વિસ્તારમાં શોક અને ગુસ્સાનો માહોલ
આ ઘટનાના પગલે ભાવનગર ના ચિત્રા વિસ્તારના લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. પાડોશીઓએ જણાવ્યું કે પરિવારમા ઝઘડા તો થતા હતા, પરંતુ વાત હત્યા સુધી પહોંચી જશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે નાની બાબતોમાં વધતા ગુસ્સા અને પારિવારિક તણાવના કારણે આવી ગંભીર ઘટનાઓ વધી રહી છે. લોકો એ પણ કહી રહ્યા છે કે ઘરેલુ વિવાદોમાં સમયસર સમજણ અને કાનૂની મદદ મળે તો આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.



