Gujarat Heavy Rain Alert: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ જાણે ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેવી સ્થિતિ છે. વલસાડ, સુરત, નવસારી અને આસપાસના જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને સ્થિતિની માહિતી મેળવી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે.
ગુજરાતનો વરસાદ
સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી
| તાલુકો | વરસાદ (ઇંચ) | તાલુકો | વરસાદ (ઇંચ) |
|---|---|---|---|
| ઉમરપાડા | 11.14 | ચીખલી | 4.41 |
| ઉમરગામ | 9.88 | અંકલેશ્વર | 4.13 |
| નેત્રંગ | 6.89 | સોનગઢ | 3.94 |
| પારડી | 6.61 | વાપી | 3.78 |
| ખેરગામ | 6.46 | ડોલવણ | 3.78 |
| નાનાપોંઢા | 5.43 | સુબીર | 3.62 |
| બેયરાજપુર | 5.12 | કામરેજ | 3.50 |
| વઘઈ | 4.92 | ડેડિયાપાડા | 3.46 |
| ઉકાઈ | 4.92 | ભરૂચ | 3.39 |
| કપરાડા | 4.84 | વલસાડ | 3.39 |
| વ્યારા | 4.57 | ડાંગ | 3.35 |
| ધરમપુર | 4.53 | વિસનગર | 3.23 |
| વાંસદા | 4.45 | ઝઘડિયા | 3.15 |
વલસાડ અને સુરતમાં સૌથી વધુ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છે. ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કપરાડામાં 29 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે. માત્ર મધરાત બાદના પાંચ કલાકમાં જ ઉમરગામમાં 17 ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ સુરત જિલ્લાના ઉમરપાડામાં સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં જ 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પારડી, નેત્રંગ, વ્યારા, વાંસદા, ચીખલી, વાપી, અંકલેશ્વર અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
સુરતમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, બે મૃતદેહ મળ્યાની માહિતી
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખાડીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે. સારોલી પોલીસ સ્ટેશન સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. સણિયા હેમદ ગામમાં પાણીનું સ્તર એટલું વધી ગયું કે ખોડિયાર માતાનું મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
ઘણા વિસ્તારોમાં લોકો ઘરમાં જ ફસાઈ ગયા છે. દરમિયાન સુરતમાં પાણીમાંથી બે મૃતદેહ મળ્યાની માહિતી સામે આવી છે. જોકે અધિકારીઓ દ્વારા બંને બનાવની તપાસ ચાલી રહી છે.
ભિલાડમાં લોકો 24 કલાકથી છત પર, વલસાડમાં પુલ તૂટ્યો
વલસાડ જિલ્લાના ભિલાડ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે કેટલાક પરિવારો છેલ્લા 24 કલાકથી પોતાના ઘરની છત પર રહેવા મજબૂર બન્યા છે અને બચાવ ટીમોની રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન સંજાણ અને હુમરણ ગામને જોડતો એક પુલ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે, જેના કારણે આસપાસના ગામોનો સંપર્ક ખોરવાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ચર્ચા
ગુજરાતમાં સર્જાયેલી ગંભીર વરસાદી પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી આપી હતી.
વડાપ્રધાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાય, રાહત કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.
મુખ્યમંત્રીએ SEOCમાં ઈમરજન્સી બેઠક બોલાવી
પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
તેમણે સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરી અને તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓ તેમજ વરિષ્ઠ IAS અધિકારીઓને સ્થળ પર મોકલી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પ્રભાવિત, 7 ટ્રેનો રદ
અવિરત વરસાદને કારણે અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેકના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેની કામગીરીને મોટી અસર પહોંચી છે.
પરિણામે અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે. નવસારી, સુરત અને વાપી વચ્ચે રોજ અપડાઉન કરતા 50 હજારથી વધુ મુસાફરો સ્ટેશનો પર અટવાઈ ગયા છે.
રેલવે દ્વારા મુસાફરોની મદદ માટે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે અને રદ થયેલી ટ્રેનોના ટિકિટ રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી છે. વહેલી સવારે શરૂ થયેલો વરસાદ સવારે વધુ તેજ બન્યો હતો. બોપલ, સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે અને આંબાવાડી જેવા પશ્ચિમ વિસ્તારોએ માત્ર એક કલાકમાં આશરે 2 ઇંચ વરસાદ નોંધાવ્યો હતો.
બોપલના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જ્યારે ડી કેબિન અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામ અને ઓછી વિઝિબિલિટીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
24 જુલાઈએ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત માટે પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ત્યારબાદ 25 અને 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
તંત્રે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી
રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસને લોકોને નદી, ખાડી અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
રાહત અને બચાવ દળો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
અમદાવાદ રેલવે સ્ટેશન (પ્લેટફોર્મ નં.1): 079-22147997
સાબરમતી રેલવે સ્ટેશનઃ 7043028680
પાલનપુર રેલવે સ્ટેશનઃ 9484698141
વીરમગામ રેલવે સ્ટેશનઃ 9213527587
ટ્રેન સંબંધિત માહિતી, સહાય અને માર્ગદર્શન માટે મુસાફરો આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની પણ અપીલ કરી છે.



